About Us

Feedback On This Page View Page Feedback

                 શ્રી મેમનગર સંઘ ના ભૂતકાળ પર એક નજર

      ગુજરાત સરકારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારને વિકસાવવાનું કાર્ય ઔડાને (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ સીટી) સોંપતા તેઓએ જુદા-જુદા વિસ્તારો સાથે મેમનગરનો પણ વિકાસ શરુ કર્યો અને આ વિસ્તારનો વિકાસ થતા અન્ય કુટુંબોની સાથે સ્થાનકવાસી જૈન કુટુંબો પણ અહી રહેવા આવ્યા. આ સમયે સોલાનો ઉપાશ્રય નજીક હોવાથી ધર્મકરણી, સંત સતીજીના દર્શન તથા વીરવાણી સાંભળવા ત્યાં જતા. પરમપુજ્ય રુક્ષ્મણીબાઈ મ.સ. ના ચાતુર્માસ દરમ્યાન મુરબ્બી શ્રી જયકાન્તભાઈ કામદાર અને તેમના પુત્ર શ્રી સૌરભભાઈ તેઓશ્રીના દર્શને જતા નવા મેમનગર વિસ્તારમાં ઉપાશ્રયની સુવિધા ઉભી કરવાની પ્રેરણા પૂ. મહાસતીજીએ કરતા શ્રી જયકાન્તભાઈ એ મેમનગર વિસ્તારમાં રહેવા આવેલ શ્રી જયંતીભાઈ ગાંધી, નલીનભાઈ જસાણી, મહેન્દ્રભાઈ હેમાણી, જયંતીભાઈ શાહ, રસીકભાઈ શાહ, કીર્તિભાઈ પરીખ, નવીનભાઈ વોરા, ભદ્રેશભાઈ ડગલી, દિલીપભાઈ કોઠારી, પ્રવીણભાઈ મણીયાર, હસમુખભાઈ ખારા, ભીખુભાઈ શેઠ, રોહિતભાઈ કપાસી વિગેરે શ્રાવકોની મીટીંગ બોલાવી. (ઉપલબ્ધ માહિતી મુજબ નામો લખ્યા છે. કોઈનું નામ રહી ગયું હોય તો ક્ષમા યાચના) અને સર્વસંમતિથી શ્રી જયકાન્તભાઈ કામદારને પ્રમુખ, શ્રી જયંતીભાઈ ગાંધીને ઉપપ્રમુખ, શ્રી નલીનભાઈ જસાણીને મંત્રી, શ્રી સૌરભભાઈ કામદારને સહમંત્રી અને શ્રી મહેન્દ્રભાઈ હેમાણીની ખજાનચી તરીકે નિમણુંક કરી. સૌ પ્રથમસંવત ૨૦૪૯ ના વર્ષે પર્યુષણ પર્વ ઉપર ૧૫ દિવસ માટે રાજવી કોમ્પલેક્ષમાં શ્રી નલીનભાઈ જસાણીની સોસાયટીના મેદાનમાં મંડપ બાંધીને પૂ. ચંદ્રિકાકાબાઈ મ.સ.ના વ્યાખ્યાન – વાંચણીથી ધર્મકરણીની શરૂઆત થઇ. ત્યારબાદ સંવત ૨૦૫૦માં શ્રી જયંતીલાલ નાગરદાસ શાહે પોતાના નંદ એપાર્ટમેન્ટનો ફલેટ ઉપાશ્રયના ઉપયોગ માટે આપતા તે વર્ષના ચાતુર્માસ માટે પૂ. નીરુપમાબાઈ મ.સ., પૂ. નીરાલીબાઈ મ.સ., પૂ.નીશીતાબાઈ મ.સ. તથા પૂ. આસ્થાબાઈ મ.સ. ચાતુર્માસ માટે પધારેલ અને ત્યારબાદ શેષકાળમાં પણ સંત-સતીજીઓનો લાભ મળેલ. આ દરમિયાન રા’બિલ્ડર્સ વાળા શ્રી નરેશભાઈ તથા શ્રી રાજુભાઈએ તેઓના ચિન્મય ટાવર્સમાં નીચેની જગ્યા “ચમનલાલ મગનલાલ શાહ ટ્રસ્ટ – સ્થાનકવાસી જૈન ઉપાશ્રય” તરીકે ફાળવી આપી અને સંવત ૨૦૫૧નું પ્રથમ ચાતુર્માસ પ.પૂ. પ્રેમીલાબાઈ મ.સ.આદિ ઠાણાનું થયેલ ત્યારબાદ સંવત ૨૦૫૨નું ચાતુર્માસ પ.પૂ. કીર્તીદાબાઈ મ.સ. આદી ઠાણાનું થયેલ. આ દરમિયાન શ્રી સંઘનો પોતાનો ઉપાશ્રય બનાવવા માટે અવાર-નવાર ચર્ચા વિચારણા થતી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ નહિ આવતા સર્વ સંમતિથી એડહોક ક્મીટીની રચના થઇ અને તે કમિટીનું કન્વીનર પદ શ્રી રસિકભાઈ કાચવાળાને સોંપવામાં આવ્યું અને સૌ પ્રથમ અગાઉના પાંચ વર્ષના હિસાબોનું સંકલન કરવાનું તથા શ્રી સંઘનું બંધારણ તૈયાર કરવાના કાર્યને અગ્રીમતા આપી, તેમજ ૨૦૫૩ માં પૂ. રશ્મીકાબાઈ મ.સ. , ૨૦૫૪ માં પૂ. કાન્તાબાઈ મ.સ. તથા ૨૦૫૫ માં પૂ. પ્રફૂલ્લાબાઈ મ.સ. ના ચાતુર્માસ થયા તથા અન્ય ધર્મ કરણીના કાર્ય ચિન્મય ઉપાશ્રયમાં થયા હતા.

     સંઘના અગાઉના ભૂતકાળના ઈતિહાસ બાદ આગળ વધતા ડિસેમ્બર ૧૯૯૬માં એડહોક કમિટીની રચના કરી જેના કન્વીનર શ્રી રસિકભાઈ કાચવાળાની રાહબરી હેઠળ શ્રી મહેન્દ્રભાઈ શેઠ, શ્રી પ્રમોદભાઈ શાહ તથા શ્રી ભીખુભાઈ શેઠે છેલ્લા પાંચ વર્ષના હિસાબો તથા બંધારણની રચના કરી. સામાન્ય સભામાં મંજુર થયેલ બંધારણ તથા હિસાબો શ્રી નરેન્દ્રભાઈ કામદાર તથા શ્રી પ્રમોદભાઈ શાહે જે તે ડીપાર્ટમેન્ટમાં રજુ કરી રજીસ્ટ્રેશન નંબર એ-૩૪૬૩ તા.૨૩.૬.૯૭ના રોજ મેળવ્યો અને આ રીતે “શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘ” બંધારણીય રીતે અસ્તિત્વમાં આવ્યો.

તા.૨૭.૪.૧૯૯૭ ની સામાન્ય સભાએ સર્વાનુમતે ચૂંટેલ કારોબારી સભ્યો

(૧) શ્રી કનુભાઈ નગીનદાસ શાહ – પ્રમુખ

(૨) શ્રી જયંતીલાલ શિવલાલ ગાંધી - ઉપપ્રમુખ

(૩) શ્રી નલીનભાઈ લક્ષ્મીચંદ જસાણી- મંત્રી

(૪) શ્રી પ્રમોદભાઈ સાંકળચંદ શાહ   – સહમંત્રી

(૫) શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શેઠ – ખજાનચી

(૬) શ્રી જયંતીલાલ જગજીવનદાસ દોશી – કા.સભ્ય

(૭) શ્રી જયંતીલાલ નાગરદાસ શાહ – કા.સભ્ય

(૮) શ્રી મહેન્દ્રભાઈ રમણિકલાલ હેમાણી -  કા.સભ્ય

(૯) શ્રી મનુભાઈ દીપચંદભાઈ શાહ - કા.સભ્ય

(૧૦) શ્રી નરેન્દ્રભાઈ ગુણવંતલાલ કામદાર - કા.સભ્ય

(૧૧) શ્રી ત્રિકમલાલ રવજીભાઈ શાહ - કા.સભ્ય

(૧૨) શ્રી ભીખાભાઈ રાયચંદભાઈ શેઠ – કો. ઓપ્ટ.

(૧૩) શ્રી રસિકભાઈ નંદલાલ શાહ - કો. ઓપ્ટ.

(૧૪) શ્રી રાજેન્દ્રભાઈ તલકચંદ શેઠ - કો. ઓપ્ટ.

(૧૫) શ્રી રમેશચંદ્ર ત્રિભોવનદાસ કોઠારી - કો. ઓપ્ટ.

     ઉપરોક્ત કારોબારી સામે મોટો પ્રશ્ન મેમનગર સંઘનું પોતાનું ધર્મ સ્થાનકની ઉણપનો હતો. તેથી સૌપ્રથમ શ્રી રસિકભાઈ કાચવાળા તથા શ્રી કનુભાઈ શાહની દોરવણી હેઠળ કારોબારીએ આ કાર્યને અગ્રીમતા આપી અને તેને અનુલક્ષીને આગળની કામગીરી હાથ ઉપર ધરી.

     શ્રી મહેન્દ્રભાઈ હેમાણીએ “એકજ અમારો ધ્યેય બને અમારો ઉપાશ્રય” સ્લોગન વહેતું કર્યું. ત્યારબાદ ઉપાશ્રય બાંધકામફાળા માટેની શરૂઆત રૂ. ૫૦૦૦/- તથા રૂ. ૧૦,૦૦૦ની છ વર્ષીય વગર વ્યાજની લોનની સ્કીમથી તેમજ રૂ. ૨૦૦૦/- ની રસીદોથી કરી. જે અન્વયે રૂ. ૧૦,૦૦૦ના ડ્રોમાં વ્યાખ્યાન હોલનું નામ તથા રૂ. ૫૦૦૦/- ના દાતાઓ પૈકી બેને સ્વાધ્યાયખંડનું નામ તથા રૂ. ૨૦૦૦/- ની રસીદોમાંથી પૌષધ શાળાનું નામ ડ્રોના લકી વિજેતાને આપવાનું નક્કી કરવામાં આવ્યું.

     આ સ્કીમની જાહેરાત સંવત ૨૦૫૩ના પ.પૂ. રશ્મીકાબાઈ મ.સ. ના ચાતુર્માસમાં પર્યુષણ દરમ્યાન મહાવીર જયંતીના દિવસે કરવામાં આવી. જાહેરાત થતાની સાથે જ ધર્મપ્રેમી શ્રી મધુબેન ભીખાલાલ રાયચંદ શેઠ પરિવાર તરફથી રૂ.૧૦,૦૦૦/- ના દસ નામ આપવાની જાહેરાત કરવામાં આવી. તદ્દઉપરાંત બીજા દાનવીરો તરફથી પણ ફાળાના વચનો મળતા કાર્યકરોના ઉત્સાહને વેગ મળ્યો અને ઉપાશ્રય માટે જમીન/પ્લોટની શોધ ચાલુ કરવામાં આવી. ઘણાબધા પ્લોટ જોયા બાદ વિશ્રુત સોસાયટીના પ્લોટ પર પસંદગીનો કળશ ઢોળાયો અને તે પ્લોટનું બાનાખત આપણા સંઘના નામે કરવામાં આવ્યું. હવે ફંડ – ફાળા માટે કારોબારી સભ્યોની અલગ – અલગ ટીમોનું ગઠન કરી રાત-દિવસ જોયા વગર આ ટીમો ઘરે-ઘરે ફરીને આ દાતાઓનો સંપર્ક કરી ફાળો તેમજ ફાળાના વચનો પ્રાપ્ત કરવા લાગ્યા, તા.૧૩-૦૭-૧૯૯૮ કારોબારી સભ્ય શ્રી ત્રીકમભાઈએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપતા શ્રી રસિકભાઈ પરીખને કારોબારીમાં કો.ઓપ્ટ. સભ્ય તરીકે લેવામાં આવ્યા અને તા.૧૬.૮.૯૮ ના સુપ્રભાતે બોર્ડની અનાવરણ વિધિ ઉદ્યોગપતિ શ્રી અરવિંદભાઈ સંઘવીના વરદ હસ્તે સંઘના સભ્યો, દાતાઓ તેમજ સ્થાનકવાસી જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગે ગુરુદેવ પ.પૂ. પારસમુની મહારાજ સાહેબે બી.ડી. રાવ હોલ ખાતે પધારી આશીર્વચન આપેલ અને ત્યારબાદ તે સ્થળે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ.

     સૂચિત ઉપાશ્રયના પ્લાન તૈયાર કરવાના તેમજ બાંધકામ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી મહેન્દ્રભાઈ શેઠને સોંપવામાં આવી અને તેમણે સંત-સતીજીને શાતા ઉપજે, સભ્યોને સગવડતા મળે અને ઉપાશ્રયમાં વધુમાં વધુ ધર્મકરણી થાય તે રીતના સ્વાધ્યાયખંડ, સાધનાખંડ, જૈનશાળા, આયંબીલશાળા, લાયબ્રેરી, ઓફીસ વગેરે માટેનો સુંદર પ્લાન તૈયાર કરીને આપણા સંઘના તાત્કાલીન ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ પટેલની દોરવણી મુજબ જે તે ખાતાઓમાં મંજુર કરાવી જે તે બાંધકામની પરવાનગી મેળવી “Charity begins from home” ની ઉક્તિ પ્રમાણે શ્રી મહેન્દ્રભાઈ શેઠે સુચન કર્યું કે દાનની શરૂઆત કારોબારી સભ્યો તરફથી થવી જોઈએ. કે તરતજ કારોબારી સભ્યોએ અલગ-અલગ રૂમો-ખંડો માટે રૂ.૧૦ થી ૧૨ લાખના ફાળાથી શરૂઆત કરી અને આના પડધા રૂપે અને શ્રી રસિકભાઈ કાચવાળા તથા શ્રી કનુભાઈ શાહના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે બાકી રહેલ રૂમ-ખંડોના દાતાશ્રીઓ મળવા લાગ્યા. પરંતુ ઉપાશ્રયના મુખ્ય નામ માટે તથા આરાધના ભવનના નામ માટે દાતા બાકી હોવાથી ખંભાત સંપ્રદાયના પ.પૂ. કાન્તાબાઈ મ.સ.ની પ્રેરણાથી સાણંદવાળા શ્રી મહેન્દ્રભાઈ નરોત્તમદાસ ગાંધીએ (હાલ મુંબઈ) પુરુષાર્થ કરીને ઉપરોક્ત બન્ને નામ માટેના દાતા તરીકે અનુક્રમે શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ટુવાવાળા તથા શ્રીમતી સુભદ્રાબેન વાડીલાલ મોહનલાલ શાહ બોટાદવાળાના નામો મેળવી આપ્યા. તે બદલ શ્રી સંઘ તેમનો ખુબ ખુબ આભારી છે.

     હવે બનાખતની સમય મર્યાદા પૂરી થતી હોઈ દસ્તાવેજ કરવો જરૂરી હતો પરંતુ મળેલ વચનોના દાતાઓ તરફથી પૂરે પૂરી રકમ આવેલ ન હોવાથી દસ્તાવેજ કરવા માટે ખૂટતી રકમ કારોબારી સભ્યોએ યથાશક્તિ લોન ધ્વારા ભેગી કરીને દસ્તાવેજનું કાર્ય પૂર્ણ કર્યું.

     તા.૧.૨.૯૯ના શુભદિને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવત ઉપાશ્રયના મકાનનું ખાતમુહુર્ત મુખ્યદાતાશ્રી જશુભાઇ ટુવાવાળા તથા તેમના ધર્મપત્ની ઈન્દુબેનના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સંઘના સભ્યો, વિવિધ જૈનસંઘના પ્રતિનિધિઓ અને અગ્રણી ધર્મપ્રેમીઓ જેમાં સર્વ શ્રી ચમનભાઈ ઉમેદચંદ પાટડીવાળા, ચુનીભાઈ પટેલ (પાર્શ્વનાથ કોર્પોરેશન), મહેન્દ્રભાઈ ગાંધી તથા જયકાન્તભાઈ કામદાર હાજર રહેલ.

     તા.૨૯-૦૭-૧૯૯૯ ની કારોબારીની મીટીંગમાં શ્રી રસિકભાઈ પરીખને મંત્રીનો હોદ્દો આપવામાં આવેલ.

     લકી ડ્રો : શેઠ મંગળદાસ ટાઉનહોલ ખાતે તા.૨૭.૨.૨૦૦૦ ના રોજ ૫૦૦૦/-, ૧૦૦૦૦/-, તથા ૨૦૦૦/- ની સ્કીમ અંગેના લકી ડ્રોનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું. જેમાં સૌપ્રથમ વ્યાખ્યાન હોલ માટે રૂ.૧૦,૦૦૦/- ની કુલ ૧૪૨ રસીદોના નંબરોમાંથી ઉપાશ્રયના સહાયક્દાતા શ્રી વિપુલભાઈ મણીયારના હસ્તે એક લક્કી નંબર કાઢવામાં આવ્યો જેમાં ભાગ્યશાળી દાતા શ્રીમતી ઇન્દીરાબેન જયસુખભાઈ અજમેરાનું નામ નીકળેલ. ત્યારબાદ પૌષદ્શાળા માટે રૂ.૨૦૦૦/- ની કુલ ૨૨૪ રસીદોના નંબરોમાંથી સહાયક્દાતા નવનીત પ્રકાશનના માલિક શ્રી છોટુભાઈ ગાલાના હસ્તે ડ્રો કરવામાં આવતા શ્રી મણીલાલ અમુલખભાઈ કોઠારી ભાગ્યશાળી બનેલ. અને બે સ્વાધ્યાય ખંડ માટે રૂ.૫૦૦૦/- ની કુલ ૨૩૬ રસીદોના નંબરમાંથી પ્રથમ ચમનલાલ મગનલાલ શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ઉપાશ્રયના સહાયક્દાતા, ચંપકગુરુકૃપા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ શાહના હસ્તે ડ્રો કરવામાં આવતા શ્રી જશીબેન હીરાલાલ શાહ – મસાલાવાળાને લાભ મળેલ અને દ્વિતીય સ્વાધ્યાયખંડ માટે સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી કનુભાઈ નગીનદાસ શાહ ના હસ્તે ડ્રો કરવામાં આવેલ જેમાં શ્રી ધીરજલાલ દેવચંદ પરીખ ભાગ્યશાળી બનેલ. ઉપરોક્ત ચારેય ભાગ્યશાળી વિજેતાઓનું સહર્ષ બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રેડીયો અને ટીવી કલાકાર શ્રી જયેન્દ્રભાઈ નાયકે ખુબજ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ અને આ કાર્યક્રમનું સંચાલન શ્રી જયંતીભાઈ સંધવીએ કરેલ.

     આ દરમ્યાન ત્રણ વર્ષ સુધી સંઘની ઓફીસ ન હોવાથી શ્રી મહેન્દ્રભાઈ શેઠની ઓફીસ લક્ષ્મી ગ્લાસનો ઉપયોગ કરીને તેઓએ રાત-દિવસ જોયા વગર પોતાના ધંધા કરતા વિશેષ રસ લઈને એકપણ પૈસાનો બોજ સંઘ ઉપર નહિ પાડતા ફક્ત ૧૧ મહિનાના ગાળામાં ઉપાશ્રય પૂર્ણ કરવાનું ભગીરથકાર્ય સ્વ દેખરેખ હેઠળ પૂરું કર્યું. આ સેવા બદલ મેમનગર સંઘ તેમને ક્યારેય ભૂલશે નહી.

     શ્રી મેમનગર સ્થા. જૈન સંઘનું સ્લોગન “એકજ અમારો ધ્યેય – બને અમારો ઉપાશ્રય” ની પરિતૃપ્તિ, કાર્યકરોની અથાગ મહેનત અને દાતાઓએ વરસાવેલ દાનના પ્રવાહનો ત્રિવેણી સંગમ એટલે તા.૧૨.૩.૨૦૦૦ નો ઉદઘાટનનો સોનેરી દિવસ. ઉદઘાટનનો ભવ્ય સમારોહ શ્રી બી.ડી.રાવ હોલ ખાતે ઉદઘાટન સમારોહના પ્રમુખ તથા ઉપાશ્રયના મુખ્યદાતાશ્રી / ઉદઘાટક શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ટુવાવાળા, આરાધના ભવનના મુખ્ય દાતા તથા ઉદઘાટક સ્વ.શ્રી વાડીલાલ મોહનલાલ શાહ બોટાદવાળા, સ્વાગત પ્રમુખ શ્રી નવનીતભાઈ.સી.પટેલ, અતિથી વિશેષ સર્વશ્રી મહેન્દ્રભાઈ એન ગાંધી, સ્વ.ચમનલાલ ઉમેદચંદ શેઠ પાટડીવાળા, ડો.તુષારભાઈ.જે.શાહ, ડો. સંજયભાઈ આર. ગાંધી તથા અન્ય મહાનુભાવો અને સંઘના સભ્યોની બહોળી હાજરીમાં ઉજવાયો. આ પ્રસંગે પધારેલ ઉપાશ્રયના મુખ્ય દાતાઓ, રૂમ-ખંડના દાતાઓ તદ્દઉપરાંત ઉપાશ્રયના બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સર્વેનું શ્રીસંઘે હાર, શાલ તથા ચાંદીના મોમેન્ટોથી બહુમાન કરેલ.

     વિશેષમાં તત્કાલીન કારોબારી સમિતિએ અંગત કાર્યસીદ્ધીને કારોબારી સમિતિની યશકલગી ગણાવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ શેઠનું બહુમાન તત્કાલીન પ્રમુખશ્રી કનુભાઈ નગીનદાસ શાહના હસ્તે કરેલ. આ પ્રસંગે ઉપાશ્રયના મુખ્ય દાતા શ્રી જશુભાઇ ટુવાવાળા શ્રી સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ શાહ અને ટ્રસ્ટી શ્રી રસિકભાઈ કાચવાળાના હૈયામાં હરખની જે હેલી ચઢેલ તે સર્વે સભ્યોએ પ્રત્યક્ષ નિહાળેલ. ઉપરોક્ત સમારોહનું સુંદર સંચાલન શ્રી જયંતીભાઈ સંઘવીએ કરેલ અને શ્રી સંઘે તેમનું બહુમાન કરી આભાર માનેલ.

     કુમકુમ તિલક કરી જૈન શાસનના જયઘોષ સાથે શ્રીમતી ઇન્દુમતીબેન જશવંતલાલ શાહ ટુવાવાળાએ રીબીન કાપી અને સૌએ હર્ષોલ્લાસ સાથે નૂતન ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. તેવી જ રીતે આરાધના ભવનનું ઉદઘાટન શ્રી રાજેન્દ્રભાઈ વાડીલાલ શાહે પણ રીબીન કાપીને કર્યું. સંત-સતીજીઓને શાતા ઉપજે અને ધર્મકરણી કરનારને પણ શાતા રહે એવો ઉપાશ્રય જોઇને સૌના મુખ પર આનંદની લહેર ફરી વળી. રૂમ-ખંડના દાતાશ્રીઓએ પોત-પોતાના રૂમ-ખંડનું ઉદઘાટન કરી કૃત-કૃત્યતા અનુભવી.

     ત્યારબાદ સૌએ ગૌતમ પ્રસાદી લઇ અને ધન્યતા અનુભવી. આ પ્રસંગે ખંભાત સંપ્રદાયના પૂ. વસુમતીબાઈ મ.સ., પૂ. કાન્તાબાઈ મ.સ., બરવાળા સંપ્રદાયના પૂ. પ્રેમીલાબાઈ મ.સ., પૂ. હંસાબાઈ મ.સ.,  દરીયાપુરી સંપ્રદાયના પૂ. સુભદ્રાબાઈ મ.સ., પૂ. મધુબાઈ મ.સ., પૂ. મંજુલાબાઈ મ.સ., આદી ઠાણા પધારીને આશીર્વચન આપેલ તથા બપોરે નૂતન ઉપાશ્રય ખાતે નવકારમંત્રના જાપ કરાવીને ધર્મકરણીના શ્રીગણેશ કર્યા.

     ઉપાશ્રયના મુખ્ય દાતાશ્રી જશુભાઇ ટુવાવાળાની ભાવના પ્રમાણે સંવત ૨૦૫૬ થી નૂતન ઉપાશ્રય ખાતે ચાતુર્માસની શરૂઆત કરવામાં આવેલ. આ વર્ષે ભૂકંપ પીડિતો માટે શ્રીસંઘે રૂ. ૧,૧૧,૧૧૧/- નું દાન શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટને આપેલ.

     સંવત ૨૦૫૭ માં ઉપાશ્રય બાંધકામ માટે લીધેલ છ વરસની મુદત માટેની રૂ. ૫૦૦૦/- તથા રૂ. ૧૦,૦૦૦/- ની વગર વ્યાજની લોનને હજુ ત્રણેક વરસ થયેલ અને તે વખતે માધુપુરા મર્કન્ટાઈલ બેંકમાં સંઘના નાણા ફસાયેલ હોવા છતાં પણ ઉપાશ્રયમાં ફંડ થતા આ રકમ સમય મર્યાદા પહેલા પરત આપવાનું કારોબારીએ નક્કી કરી – દરેકને લોન પરત કરી – શ્રી સંઘને દેવામાંથી મુક્ત કરેલ. જે આપણા શ્રી સંઘની એક ગણવા લાયક મહાન સિદ્ધી છે.

     તેમજ આ વરસે લીંબડી અજરામર સંપ્રદાયના સંત – સતીજીના સંવત ૨૦૫૮ ના ચાતુર્માસ ઉદઘોષણાનો લાભ પરમપુજ્ય ભાસ્કરમુની મ.સા. તથા છબીલભાઈ શેઠની હાજરીમાં આપણા શ્રી સંઘને મળેલ.

    મેમનગર સંઘના આંગણે ઉજવાયો પંડિતરત્ન આચાર્ય ગુરુભગવંત પૂ. ચંપકમુનીજી મ.સા. નો ૬૧ મો દીક્ષા જયંતી મહોત્સવ.બરવાળા સંપ્રદાયના આચાર્ય ગુરુ ભગવંત પૂજ્ય ચંપકમુનીજી મ.સા. ની ૬૧ મિ દિક્ષા જયંતી પ્રસંગે બા.બ્ર.પ.પૂ. મુકેશ મુનીજી મ.સા. તથા પૂ. શાંતિમુનીજી મ.સા. આદી ઠા-૨ તથા બા.બ્ર.પ.પૂ. પ્રેમીલાબાઈ મ.સ. આદી ઠા-૬ ના સાન્નિધ્યમાં સાત દિવસ તપ-જપ-શિબિર-વ્યાખ્યાન વાંચણીથી ઉજવાઈ. જેમાં ૧ પૌષધ, ૧ ઉપવાસ, ૨ ઉપવાસ અઠ્ઠમ તથા અઢાઈ તપ – તેમજ નાના બાળકોથી મોટી ઉંમર સુધીના શ્રાવક-શ્રવીકાની અલગ-અલગ શિબિરોનું આયોજન કરવામાં આવેલ.તપશ્ચર્યામાં મોટી સંખ્યામાં શ્રાવક – શ્રાવિકાએ લાભ લીધેલ. જયારે યુવા જીવન જીવવાની કળા તથા અન્ય વિષયો પર શિબિરમાં જ્ઞાન આપેલ અને પર્યુષણ જેવો માહોલ થયેલ. આમ શ્રી મેમનગર સંઘમાં આચાર્ય ગુરુદેવ પૂ. ચમ્પક્મુનીજી મ.સા.ની ૬૧મિ દિક્ષા જયંતી મહોત્સવ તપ-જપ થી ભવ્ય રીતે ઉજવાયેલ.

    શ્રી મેમનગર સંઘના આંગણે ઉજવાયો લીંબડી અજરામર સંપ્રદાયના, “ચાતુર્માસ ઉદઘોષણા” – તા. ૨૪-૩-૨૦૦૨ રવિવાર – સં.૨૦૫૮ સમારોહ લીંબડી અજરામર સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. ભાસ્કરજી સ્વામી આડી ઠા.૫ ના સાનિધ્યમાં અજરામર સંપ્રદાયના સંત-સતીજીના ચાતુર્માસ ઉદઘોષણા સમારોહ તા.૨૪-૩-૨૦૦૨ રવિવારે રાખેલ જેમાં અજરામર સંપ્રદાયના પ્રમુખ શ્રી છબીલભાઈ શેઠ, સંપ્રદાયના પ્રવક્તા શ્રી ભરતભાઈ ડેવલીવાળા, કચ્છ-માંડવી સંઘના પ્રમુખ શ્રી હરીભાઈ કાન્તિલાલ શાહ વિગેરે મહાનુભાવોની હાજરીમાં ભવ્ય રીતે પ્રસંગ ઉજવાયેલ. પૂ. ગુરુદેવ શ્રી ભાસ્કરજી મ.સાહેબ, મેમનગર સંઘની વધુ અને વધુ પ્રગતિ થાય અને આવા સારા પ્રસંગોનો લાભ મેળવે તેવા આશિર્વચન આપેલ. સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ શાહે સંપ્રદાયના પ્રમુખ શ્રી છબીલભાઈ.ટી.શેઠનું બહુમાન કરેલ જયારે સંઘના મંત્રી શ્રી રસિકભાઈ પરીખે શ્રી ભરતભાઈ ડેલીવાળા નું બહુમાન કરેલ. આશરે ૭૦ સંઘોના ચાતુર્માસ કવર લેવા પ્રતિનિધિઓ આવેલ અને દરેકને ચાતુર્માસના કવર ગુરુદેવના હસ્તે આપવામાં આવેલ. પ્રવક્તા શ્રી ભરતભાઈ ડેલીવાળા એ મેમનગર સંઘની સુંદર વ્યવસ્થા તથા જમણવારનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરેલ. મંત્રીશ્રી રસિકભાઈ પરીખે સામાન્ય રીતે ચાતુર્માસ ઉદઘોષણા કાર્યક્રમ સંપ્રદાયના ઉપશ્રયોમાં જ રખાતો હોય છે. તેના બદલે અમને આ લાભ આપવા બદલ સંપ્રદાયના પ્રમુખ શ્રી છબીલભાઈ શેઠ તથા ગાદીપતિ પૂજ્ય નરસિંહજી સ્વામીનો ખાસ આભાર માનેલ.

    મેમનગર સંઘના આંગણે ઉજવાયો દાદાગુરુ પૂ. અજરામરજી સ્વામીનો પાટોત્સવ (આચાર્ય પદવી) તા.૫-૩-૨૦૦૩, ફાગણ સુદ-૩ દાદાગુરુ પૂ. અજરામરજી સ્વામીનો ૨૫૦મો જન્મોત્સવ – તપ અને આરાધના વરસ તરીકે સમગ્ર દેશમાં સામુહિક વર્ષિતપથી ઉજવાયેલ. આ આરાધના વરસ દરમ્યાન પૂ. શ્રી અજરામરજી સ્વામીની પાટોત્સવ તિથી (આચાર્ય પદવી) ફગણ સુદ-૩ તા.૫-૩-૨૦૦૩ ના રોજ મેમનગર સંઘમાં અજરામર સંપ્રદાયના પૂ. વંદિતાજી મ.સ., પૂ. મીતાકુમારીજી મ.સ. આદી ભગીનીવૃંદ તથા પૂ. અંજનાકુમારી મ.સ., પૂ. પુનિતાકુમારી મ.સ. ના સાનિધ્યમાં, સુપુર બે સામાયિક અજરામર શિવનું ભક્તિ-જાપ તથા પૂ. મીતાકુમારીજીનું વ્યાખ્યાન રાખેલ. આ પ્રસંગે અમદાવાદ તથા આજુબાજુના વિસ્તારના આશરે ૨૭૫ વર્ષીતપના તપસ્વીઓને હાજર રહેવાનું શ્રી મેમનગર સંઘે ભાવભીનું આમંત્રણ આપેલ. હાજર રહેલ વર્ષીતપના તપસ્વીઓને સ્વ. જમનાદાસ હરગોવિંદભાઈ શેઠ પરિવાર હ: દિપકભાઈ હસમુખભાઈ તથા કીર્તિભાઈ તરફથી અનુમોદન આપવામાં આવેલ તેમજ વ્યાખ્યાન બાદની પ્રભાવના પૂ. માતૃશ્રી સ્વ.ચંચલબેન કસ્તુરચંદ શાહ તુરખાવાળાની પુણ્યતિથી નિમિત્તે શ્રી પ્રવીણભાઈ લોખંડવાલા તરફથી પ્રભાવના આપવામાં આવેલ. આમ આ પ્રસંગ ભવ્ય રીતે શ્રી સંઘમાં ઉજવાયેલ.

     પાલડી સંઘમાં લીંબડી અજરામર સંપ્રદાયમાં પૂ. નિરંજનમુની મ.સા. તથા પૂ. દમયંતીબાઈ મ.સ. આદી ઠાણાના સાનિધ્યમાં ઉજવાયેલ દીક્ષાની વડી દીક્ષાનો પૂ. ધરતીબાઈ મ.સ. નો પ્રસંગ આપણા ઉપાશ્રયે ઉજવાયેલ અને પૂ. દમયંતીબાઈ મ.સ. ની પ્રેરણાથી – “સ્વ.શાંતાબેન મણીલાલ શિવલાલ અજમેરા પરિવાર” કાયમી વૈયાવચ્ચ ખાતાનું નામ મળેલ.

     સંઘના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. જયકાંતભાઈ કામદારનું અવસાન થયેલ જેથી આપણા સંઘને એક સંનિષ્ઠ કાર્યકરની ખોટ પડી.

     કાયમ અપાતી સવારની પ્રાર્થના બાદની પ્રભાવનામાં સંઘના આજીવન ટ્રસ્ટીશ્રી વાડીલાલ મોહનલાલ શાહ બોટાદવાળા તરફથી દાન મળતા કાયમી પ્રાર્થના પ્રભાવ ખાતે તેમનું નામ જોડવામાં આવ્યું. તેમના છતાં પણ શ્રી નલીનભાઈ જસાણી તરફથી પણ પ્રાર્થના બાદની અપાતી કાયમી પ્રભાવના ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવેલ.

     સંવત ૨૦૫૮ માં સુભાષચોકથી સુરધારા સર્કલ સુધીના રસ્તાનું નામ, મેમનગર તથા થલતેજ નગરપાલિકા તરફથી “ જૈનાચાર્ય અજરામર માર્ગ ” આપવાની મંજુરી આપેલ.

     મેમનગર સંઘમાં ચાતુર્માસ બાદ બરવાળા સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. તરુણમુની મ.સા. તથા બા.બ્ર.પ.પૂ. મુકેશમુની મ.સા. ની નિશ્રામાં મુંબઈ વાળા શ્રી ભીખુભાઈની દીક્ષાનો પ્રસંગ સાદાઈથી ઉજવાયેલ. દીક્ષાનો વરઘોડો શ્રી જયંતીભાઈ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળી કનુભાઈના ઘરે થઈને ઉપાશ્રય આવેલ. આમ શ્રી સંઘમાં સાદાઈથી પ્રથમ દીક્ષાનો લાભ મળેલ. નવદીક્ષીત નું નામ સંયતમુની મ.સા. પાડવામાં આવેલ.

     પ્રમુખશ્રી કનુભાઈએ નાદુરસ્ત તબિયતના કારણે પ્રમુખ તરીકે રાજીનામું આપતા શ્રી રમેશભાઈ લોખંડવાળાની પ્રમુખ તરીકે વરણી થયેલ. પ્રમુખ શ્રી કનુભાઈનું બહુમાન કરી તેમની સેવાની કદરરૂપે તેઓશ્રીના નામ સાથે પારેવા જુવારનું કાયમી નામ આપેલ.

     સંઘની શરૂઆતના આશરે પાંચ-વરસ સુધી ચૈત્રમાસની ઓળીનો પારણા સાથે સંપૂર્ણ ખર્ચનો લાભ સુશીલાબેન હરકીશનભાઈ વોરા તથા આસો માસની ઓળીનો પારણા સાથે સંપૂર્ણ ખર્ચનો લાભ ગુણવંતીબેન બંસીલાલ કામદારે લીધેલ. શ્રી સંઘ બંને દાતાના ખાસ આભારી છે.

     ચૈત્રમાસની કાયમી ઓળી પારણા સાથેનું મુખ્ય નામ સ્વ. મધુબેન ભીખાલાલ રાયચંદ શેઠ શિયાણીવાળાનું મળેલ. આસો માસની કાયમી ઓળી – પારણા સાથેનું મુખ્ય નામશ્રી ચંપકગુરુકૃપા ટ્રસ્ટનું મળેલ.

     દીગસર ગામે જુના ઉપાશ્રયના સ્થળે નવો ઉપાશ્રય પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ શેઠની દેખરેખ નીચે બંધાયો અને ઉપાશ્રયમાં નવકારમંત્રની તકતી સાથે મેમનગર સંઘનું નામ જોડેલ.

     સંવત ૨૦૬૦ માં શ્રી જયંતીલાલ જેચંદભાઈ શાહ તથા શ્રીમતી હંસાબેન જયંતીલાલ શાહ તરફથી દાન મળતા શ્રી નરેન્દ્રભાઈ જેચંદભાઈ શાહ કાયમી માનવ રાહત ખાતુ શરુ થયેલ.

     સંવત ૨૦૬૧ નું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ આપણા શ્રી સંઘમાં તા.૧૩.૫.૨૦૦૫ ના રોજ વૈરાગી છાયાબેનની દીક્ષાનો પ્રસંગ મળેલ. દીક્ષાની શોભાયાત્રાનો લાભ પ્રમુખશ્રી રમેશભાઈ શીવલાલ શાહ લોખંડવાળાએ લીધેલ. દીક્ષા ભવ્ય રીતે ઉજવાયેલ અને નવદીક્ષીત મહાસતીજીનું નામ બા.બ્ર.પ.પૂ. સંવેગાબાઈ મ.સ. કરવામાં આવેલ.ગોપાલ સંપ્રદાયના પૂ. સુયશાબાઈ મ.સ. માં ભણતા વૈરાગી છાયાબેનની દીક્ષાનો પ્રસંગ મળેલ. દીક્ષાનો પાઠ પૂ. ભાવચંદ્રજી મ. સાહેબે ભણાવેલ.દીક્ષાનું સંચાલન રસિકભાઈ પરીખે કરેલ અને દીક્ષાની ઉછામણીમાં મળેલ રકમમાંથી દીક્ષાનો ખર્ચ બાદ કરતાં શ્રી સંઘને રૂ. બે લાખનો વધારો થયેલ, જે પૈકી રૂ. ૧ લાખ જૈનશાળા તથા એક લાખ માનવરાહત ખાતે લીધેલ.

     સંવત ૨૦૬૧નુ ચાતુર્માસ લીંબડી ગોપાલ સંપ્રદાયના બ.બ્ર.પ.પૂ. સુયાશાબાઈ મ.સ. આડી ઠાણા-૮ નું મળેલ. જે ચાતુર્માસ તપ-જપથી ભવ્ય રીતે ઉજવાયેલ. આ વરસે પ્રમુખ તરીકે શ્રી કનુભાઈ શાહની વરણી થયેલ પરંતુ તેમની તબિયત બરાબર રહેતી ન હોઈ તેઓએ પ્રમુખપદ પરથી રાજીનામું આપતા તેમના સ્થાને પ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શેઠની નિમણુંક તા.૧૬.૦૧.૨૦૦૬ થી કરવામાં આવેલ.

     સંવત ૨૦૬૨ ના ચાતુર્માસ દરમ્યાન કાયમી જૈનશાળા ખાતા સાથે કોઈનું નામ ન જોડતા ધર્મ જાગરણ સંસ્કાર કેન્દ્ર કાયમી જૈન શાળા ખાતું એવું નામ આપવામાં આવ્યું અને તે અંતર્ગત પ્લેટીનમદાતા, ડાયમંડ દાતા, ગોલ્ડન દાતા, તથા સીલ્વર દાતા અને સહાયક દાતાના નામ લેવામાં આવ્યા અને આ વર્ષે શ્રી રસિકભાઈ કાચવાળા તથા શ્રી કનુભાઈ નગીનદાસ શાહની આજીવન ટ્રસ્ટી તરીકે નિમણુક કરવામાં આવેલ.

     સંવત ૨૦૬૩ ના ચાતુર્માસમાં શ્રી રસિકભાઈ રતિલાલ શાહ કાચવાળા એ મોટી રકમનું દાન આપતા તેમનું નામ પારેવા જુવાર ખાતામાં શ્રીમતી ઇન્દુબેન રસિકલાલ શાહ કાચવાળા નામ શ્રી કનુભાઈની સંમતિ લઈને ઉમેરવામાં આવેલ.

     આજીવન ટ્રસ્ટી શ્રી વાડીલાલ મોહનલાલ શાહનું અવસાન થયેલ શ્રીસંઘે ઊંડા દુ:ખની લાગણી અનુભવેલ.

     સંવત ૨૦૬૪ ના વરસે સ્વરોજગાર યોજના શરુ કરેલ, શ્રી પ્રવીણભાઈ લોખંડવાળાએ રૂ. ૫ લાખ સુધીની રકમ રૂ. ૨૫૦૦૦ ની મર્યાદામાં આપવાની ઓફર કરેલ જેને સંઘ ધ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. આમ સંઘના સહયોગથી શ્રી પી.કે.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સ્વરોજગાર યોજના શરુ થયેલ.

     સંવત ૨૦૬૪ માં સંઘના આજીવન ટ્રસ્ટી તથા ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. કનુભાઈ નગીનદાસ શાહનું અવસાન થયેલ, શ્રી સંઘ તરફથી ગુણાનુવાદ સભા રાખેલ અને શ્રીસંઘે એક નિ:સ્વાર્થ સેવાભાવી વડીલ ગુમાવ્યા જેની ખોટ ક્યારેય નહિ પૂરી શકાય. સ્વ.ના આત્માને વહેલી તકે સદગતી મળે તેવી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ચાતુર્માસ દરમ્યાન સૌપ્રથમ વખત ચૌવિહાર હાઉસ શરુ કરવામાં આવેલ.

     નૂતન ઉપાશ્રયને દસ વર્ષ પુરા થતા તા.૧૮.૪.૨૦૧૦ રવિવારે દશાબ્દી મહોત્સવ ઉજવેલ તે પ્રસંગે સોવેનીઅર બહાર પાડેલ. સ્વામીવાત્સલ્ય તથા ટાઉનહોલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલ.

     આ કાર્ય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શેઠ, શ્રી મહેન્દ્રભાઈ હેમાણી, શ્રી અશોકભાઈ વોરાએ આયોજન સફળ થાય તેના માટે રાત-દિવસ લગભગ દોઢ માસ સુધી ખુબ મહેનત કરી,સુંદર આયોજન કરેલ જેના ફળરૂપે સુંદર આમંત્રણકાર્ડ, જમવાના પાસ તથા પ્રોગ્રામને લગતા દરેક પાસાને ધ્યાનમાં રાખી કોરિયોગ્રાફર ટાઉનહોલની વ્યવસ્થા, બી.ડી. રાવ હોલમાં સ્વમીવાત્સલ્યનો કાર્યક્રમ વિગેરે માટે સુંદર આયોજન કરેલ. આ પ્રસંગની કાયમી યાદગીરી રૂપે ટ્રસ્ટીગણ અને કારોબારી સમિતિના સૌજન્યથી એક સુંદર સ્મૃતિચિન્હ સંઘના દરેક સભ્યોને આપવામાં આવેલ.

     સોવેનીયરમાં જાહેરાત લાવવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ કામદારે તથા પી. આર. શાહે કરેલ – તેમજ છેલ્લા ૧૦ વરસથી વૈયાવચ્ચનું સુંદર કામ કરવા બદલ શ્રી વિરેન્દ્રભાઈનું બહુમાન કરવામાં આવેલ. તેમજ શ્રી સંઘની પ્રગતી માટે વરસોથી મહેનત કરનાર મહિલામંડળના પ્રમુખ દીપીકાબેનને તેમજ યુવકમંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ લોખંડવાળાને બીરદાવવામાં આવેલા. આ સંઘના આજીવન ટ્રસ્ટી શ્રી જસવંતભાઈ ટુવાવાળાના ધર્મપત્ની ઈન્દુમતી બહેનનું દુ:ખદ અવસાન તા.૨૮-૦૯-૨૦૦૨ ના રોજ થયેલ. શ્રી સંઘે દુ:ખની લાગણી અનુભવેલ અને તેમની પ્રાર્થના સભામાં શ્રી રસિકભાઈ કાચવાળા તથા શ્રી રસિકભાઈ પરીખ મુંબઈ ગયેલ અને સંઘ વતી શ્રદ્ધાંજલી આપેલ.

     ઈ.સ.૨૦૧૨ માં શ્રી સંઘ તરફથી ૭૫ વર્ષથી મોટી ઉંમરના સભ્ય પરિવારના વડીલોનું બહુમાન હાર​-શાલ તથા સન્માનપત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સંઘમાં આપેલ અનન્ય સેવા બદલ શ્રી રમણીકભાઈ દોશીનું પણ બહુમાન કરવામાં આવેલ.

     ઈ.સ.૨૦૧૩ માં શ્રી પ્ર​વિણભાઈ કસ્તુરચંદ લોખંડ​વાલા તરફથી દાનની રકમ મળતા શ્રીમતી મધુકાન્તાબેન પ્રવિણચંદ્ર શાહ લોખંડવાળા કાયમી કેળવણી ખાતું શરુ કરવામાં આવેલ.

     આજ વર્ષે વહીવટી કામકાજની સુવિધા માટે શ્રી સંઘની ઓફિસની સાથે એક સુંદર વહીવટીકક્ષ બનાવવામાં આવેલ.

     ઈ.સ.૨૦૧૪ માં શ્રી સંઘના ટ્રસ્ટી તથા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ શાહ લોખંડવાળા ના નિધનથી સંઘને મોટી ખોટ પડેલ.

Back to Top